આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.

જીવન ચરિત્ર : આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.🙏🙏🙏❣️❣️🙏🙏🙏

      આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.નો જન્મ લાખણી તાલુકાના પેપરાલ ગામમાં ધરુ પરિવારમાં વિક્રમ સવંત ૧૯૯૩ માં કારતક સુદ તેરસ (૧૩) (તા. ૧૧/૧૨/૧૯૩૬, શુક્રવાર) ના રોજ થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ પુનમચંદ હતું. તેમના પિતાનું નામ સ્વરૂપચંદ ધરૂ અને માતાનું નામ પાર્વતીબેન હતું. તેમનું બાળપણ લાડકોડથી પેપરાલમાં વીત્યું હતું. 
     બાળપણમાં ધાર્મિક કવિતાઓ લખતા હતા. જૈન ધર્મની પ્રવૃત્તિઓનું પ્રાચીન કાળથી થીરપુર નગર સાક્ષી રહ્યું. અહીં અનેક આચાર્યોએ ચાતુર્માસ ગાળ્યાં હતાં. આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજી મ.સા.ની દિવ્ય વાણી સાંભળતાં મનમાં ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ભાવના જાગી હતી. ત્યારપછી આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજીએ સ્વરૂપચંદના કાને પુનમચંદની દીક્ષાની વાત નાખીને કહ્યું કે – “આ બાળક ભવિષ્યમાં તમારા કુળનું નામ ઉજ્જવળ કરશે અને જો બાળકને ધર્મને સમર્પિત કરશો તો તે જિનશાસનને પ્રભાવિત કરશે.” પિતા સ્વરૂપચંદજીએ મ.સા.ને કહ્યું કે – ‘પુનમચંદ દીક્ષા લેશે તો તમારી પાસેથી જ લેશે.’ 
         માતાપિતાની અનુમતિ મળતાં ૧૬ વર્ષની ઉંમરે વિક્રમ સવંત ૨૦૧૦માં મહા સુદ – ચોથ (૪) (તા. ૦૭/૦૨/૧૯૫૪) ના રોજના રોજ રાજસ્થાનના જાલોર જિલ્લાના સિયાણામાં આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજી મ.સા. પાસેથી દીક્ષા વ્રત અંગીકાર કર્યું હતું. દીક્ષા આપ્યા પછી ગુરુદેવે ‘મુનિ જયંતવિજય’ નામ પાડ્યું હતું. જયંતવિજય નામ એ ગુણસંપન્ન નામ છે. મધુર અને શાંત સ્વભાવને કારણે ‘મધુકર’ ઉપનામથી ઓળખવામાં આવતા હતા. તેઓ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની અને અંગ્રેજી જેવી ભાષાઓ જાણતા હતા. 
        તેમણે દીક્ષા લીધા પછી પહેલો ચાતુર્માસ ઇ.સ. ૧૯૫૪માં આહોર (રાજસ્થાન)માં ગાળ્યો હતો. ત્યાં તેમણે ‘પીયૂષ પ્રભા’ નામનું પહેલું પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રકાશિત કર્યું હતું. આ સિવાય, ૨૭૫ જેટલાં પુસ્તકોની અને ૨૦૦૦ જેટલી કવિતાઓની રચના કરી હતી. 
ત્યારબાદ આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજી પછી અનુગામી આચાર્ય અને ઉપચાર્યની નિયુક્તિ કરવા માટે વિક્રમ સવંત ૨૦૧૭માં કારતક સુદ પુનમ - (૧૫) ના રોજ શ્રી મોહનખેડા તીર્થમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ‘ઉપાચાર્ય પદે’ મુનિ જયંતવિજયની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ, વિક્રમ સવંત ૨૦૪૦ માં મહા સુદ તેરસ (૧૩) (તા. ૧૫/૦૨/૧૯૮૪) ના રોજ ભાંડવપુર તીર્થમાં આચાર્ય પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ‘આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.’ નામથી ઓળખાયા હતા. 
       તેમણે દેશભક્તિને લગતાં કાર્યો કર્યા હતાં. જેમાં, તેમણે જીવનભર ખાદી  પહેરી હતી.  ભારત પાકિસ્તાનના યુધ્ધ વખતે સૈનિકોને બચાવવા પોતે રક્તદાન કરીને બીજા લોકોને પ્રેરણા આપીને રક્ત એકત્રિત કર્યું હતું. તેમની પ્રેરણાથી રાજસ્થાનમાં વસંતીદેવી કિશોરજી ખીમાવત ટ્રસ્ટે પાંચ લાખથી વધુ લીમડા વાવીને ઉછેર્યા હતા. 
  તેમને ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. શંકર દયાલ શર્માએ જાવરા (મધ્યપ્રદેશ) માં તા. ૦૮/૧૨/૧૯૯૧ ના રોજ ‘રાષ્ટ્રીય સંત’ની ઉપાધિ આપી હતી. આ સિવાય, રતલામના ચાતુર્માસ દરમ્યાન તા. ૧૮/૦૯/૨૦૧૬ ના રોજ ‘લોકસંત’ ની ઉપાધિ પ્રદાન કરવામાં આવી હતી.  તેમણે દીક્ષા લીધા પછી ૬૪ વર્ષ જિનશાસનના ઉત્કર્ષમાં વિતાવ્યાં હતાં. તેમાં ૩૩ વર્ષ સુધી આચાર્ય પદ શોભાવ્યું હતું. આ સમયગાળા દરમ્યાન ૨૩૬ જેટલાં જિનાલયોની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. તેમના સદ્દ-ઉપદેશથી ૨૫૦ કરતાં વધુ નવીન ગુરુમંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  તેમણે અનેક ભવ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરી હતી. તેમના પ્રથમ શિષ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. હતા. તેમનું દેહાવસાન વિક્રમ સવંત ૨૦૭૩માં ચૈત્ર વદ સાતમના રોજ ભાંડવતીર્થ (રાજસ્થાન)માં થયું હતું.

પ્રોફે. પ્રકાશકુમાર સુથાર
કેન્દ્ર સરકાર પુરસ્કૃત યુવા લેખક
થરાદ, બનાસકાંઠા

Comments

Popular posts from this blog

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी