શ્રી સામાના તીર્થમૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી સામાના તીર્થ
મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન

                  સામાના શહેરને પંજાબના પ્રસિદ્ધ શહેરોમાં એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયથી જૈન ઈતિહાસમાં આ શહેરનું વિશેષ મહત્વ રહેલું છે. વિદેશી આક્રમણકર્તા બાબરથી પહેલાં જેટલાં મુઘલ શાસક ભારતમાં આવેલા જેમ કે તૈમુર લંગ - મંગોલ વગેરેએ એમને દિલ્હી પર હુમલો કરતા પહેલાં સામાના શહેરનો વિધ્વંસ ( નાશ ) કર્યો હતો. આ સામાના શહેરને નવાબોનું શહેર હોવાનું ગૌરવ છે, કારણ કે ભારતના 22 નવાબોના પૂર્વજો સામાના શહેરના હતા.

                  સમ્રાટ ઔરંગઝેબના સમયે જ્યારે પ્રલયંકારી, વિનાશકારીઓએ મંદિરો, પ્રાચીન મૂર્તિઓને નષ્ટ કરીને કૂવાઓ અને નદીઓમાં ફેંકી દેવાનું અભિયાન ચલાવ્યું હતું. જેના પરિણામે પંજાબના અનેક ગામડાઓ અને શહેરોમાં મુખ્ય મંદિરોની પ્રાચીન મૂર્તિઓ ઉખાડી ને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આજે પણ સામાનાની આજુબાજુના ગામો, ખેતરો અને કૂવા ખોદતા અને બાંધકામ દરમિયાન જમીનમાં દાટેલી પ્રાચીન મૂર્તિઓ મળતી રહે છે. ભૂતકાળમાં અહીં 600 થી વધુ જૈન પરિવારો રહેતા હતા. સામાનામાં ઘણા જૈન મંદિરો જેમાં તપાગચ્છ, વડગચ્છ, લૌકાગચ્છ, બૃહત તપાગચ્છ, ખરતરગચ્છ, ઉપકેશગચ્છ વગેરે જેવા અનેક ઉપાશ્રયો અને મંદિરો હોવાના પ્રમાણ મળતા રહે છે. મણિધારી દાદા ગુરુદેવ શ્રી જિનચંદ્રસૂરિજીની દાદાવાડી શહેરના દક્ષિણ ભાગમાં આવેલી છે.

                  સામના શહેરના જ્ઞાન ભંડારના લગભગ 500 દુર્લભ હસ્તલિખિત ગ્રંથો પાંડુલિપિઓ આજે પણ વલ્લભ સ્મારક દિલ્હીમાં પ્રાચીન શાસ્ત્ર વિભાગના સામાના જ્ઞાન ભંડાર નામના અલગ રૂમમાં સ્થાપિત છે. જે જ્ઞાન પીપાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે હસ્તલિખિત 555 વર્ષ જૂનું સોનાની શાહી અને તાડપત્રીઓ ઉપર અદ્ભુત ચિત્રકારીથી ચિત્રિત હસ્તલિખિત "શ્રી કલ્પસૂત્ર જી" સામાના શહેરમાં સુરક્ષિત છે, જેનાં દર્શન માત્રથી જ મન પ્રસંન્ન થાય છે.

                  શ્રી આદિનાથ ભગવાન શ્રી પૂજ્યો (યતિ) ના મંદિરમાં 850 વર્ષ જૂની કસૌટી પથ્થરની જટાધારી પ્રતિમા મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત હતી. હવે આ પ્રતિમા સામાનાના શ્રી શાંતિનાથ જૈન મંદિરના ઉપરના માળે શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે બિરાજમાન છે. સામાનામાં દર વર્ષે ભગવાન આદિનાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ મૂર્તિ ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. તેના દર્શન માત્રથી જ બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

                    વિક્રમ સંવત 1968 (110 વર્ષ પહેલા) પંજાબ કેસરી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા. અહીંયા ચાતુર્માસ કર્યુ હતું. ગુરુદેવ શ્રીજી એ જ અહીં જિનાલય માટે પ્રેરણા આપીને કાર્ય શરૂ કરાવ્યું હતું. વલ્લભ ગુરુદેવની પ્રેરણાથી મુનિશ્રી હંસવિજયજીએ શત્રુંજય તીર્થ પાલિતાણાથી મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન સહિત ચાર મૂર્તિઓ સામાના જિનાલય માટે મોકલી હતી. ભગવાનના નગર પ્રવેશના સમયે પંજાબના મોટાભાગના સંઘોએ ભાગ લીધો હતો. આ ચાતુર્માસમાં જ શ્રી વલ્લભ ગુરુદેવે જૂના અનાજ બજાર, કટહરામાં અન્ય વિદ્વાન જ્ઞાનીજનો સાથે સામાનામાં શાસ્ત્રાર્થ કરીને વિજયી બન્યાં હતાં.

                    વિક્રમ સંવત 1979 (100 વર્ષ પહેલા) પંજાબ કેસરી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા. જ્યારે સામાના આવ્યા હતા ત્યારે મહા સુદ 11 ના દિવસે શ્રી શાંતિનાથ ભગવાન ની જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા પૂર્ણ થઈ હતી. તે જ સમયે ગુરુદેવે શ્રી શાંતિનાથ ભગવાનના સ્તવનની રચના કરી.

સ્તવનની કેટલીક પંક્તિઓ આ પ્રકારે છે.

"उन्नीसो एक कम अस्सी,
एकादशी सूर्य के दिन में 
सामाना माध उजियारा,
प्रभु गादीपधारा है।"

                   આ સ્તવન એટલું પ્રસિદ્ધ થયું છે કે જ્યારે કોઈ આ સ્તવન બોલે છે, ત્યારે તે સામાના નગરની પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. આ સ્તવન પૂજાની બધાં પુસ્તકોમાં સતત પ્રકાશિત થાય છે.

                    વિક્રમ સંવત 1979માં શ્રી આત્માનંદ જૈન મહાસભા, ઉત્તર ભારતનું વાર્ષિક અધિવેશન સામાનામાં દેશભક્ત સમાજસેવક શ્રી મણિલાલ કોઠારીની અધ્યક્ષતામાં યોજાયું હતું.

                   ઈ.સ. 1977માં આચાર્ય શ્રીમદ્ વિજય સમુદ્રસૂરિજી મ.સા. અને આચાર્ય શ્રીમદ્ વિજય ઈન્દ્રદિન્નસૂરીજી મ.સા. તેમના શિષ્ય પરિવાર સાથે સામાના આવ્યા હતા, ત્યારે તેમણે સામાના મંડીમાં જૈન પરિવારોની સેવા, પૂજા અને ભક્તિ માટે શ્રી કુંથુનાથ જિનાલય બનાવવાની પ્રેરણા આપી હતી. શ્રી ગુરુદેવ શ્રીજી ની પ્રેરણા અને કૃપા પ્રાપ્ત કરીને સંઘે સામાના મંડીમાં પણ જિનાલયનું નિર્માણ કરાવ્યું.

                 1 ફેબ્રુઆરી 1998 મહા સુદ પાંચમ (વસંત પંચમી) ને રવિવારે આચાર્ય ભાંગવંત શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા. એ પોતાના હાથે શ્રી કુંથુનાથ જિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રતિષ્ઠા સમયે ગુરુદેવે સામાના સંઘને આંખની મફત હોસ્પિટલ ખોલવા માટે પ્રેરણા આપી હતી. ગુરુદેવ શ્રીજીની પ્રેરણાથી સામાના શ્રી સંઘે વર્ષ 2000માં શ્રી આત્મ વલ્લભ જૈન આંખની હોસ્પિટલ ખોલી. જે હજી સુધી બરાબર ચાલી રહી છે. આ હોસ્પિટલમાં લાખો દર્દીઓને મફત સારવાર મળી છે.

                     આ ક્રમમાં સામાનામાં ગુરુ ભગવંતોની અવરજવર ચાલુ રહી. અને જ્ઞાનની ગંગા વહેતી રહી. ઈ. સ. 2005માં શાંતિદૂત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા., સમુદાયનાં વડીલ તપ ચક્રવર્તી તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વસંતસૂરિજી મહારાજ સાહેબ વગેરે ઠાણા અને શાસન જ્યોતિ શાસન રત્ના સાધ્વી પ્રાગુણાશ્રીજી મ.સા., મૃદુભાષી સાધ્વી શ્રી પ્રિયધર્માશ્રીજી મ.સા. વગેરે સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસને સામાનાના લોકોને સૌભાગ્યથી પ્રાપ્ત થયું હતું. આ ચાતુર્માસમાં ગુરુદેવ શ્રીજીએ જૈન ધર્મનો પરચમ ચારે બાજુ ફેલાવ્યો હતો. જેના કારણે સમગ્ર પંજાબ ક્ષેત્ર ધર્મમય બની ગયો હતો. સામાના ચાતુર્માસની સુવાસ ચારેય દિશામાં પ્રસરી હતી.

2005ના ચાતુર્માસની એ સોનેરી ક્ષણો

                      સમુદાયના વડીલ તપ ચક્રવર્તી, અખંડ વર્ષીતપના તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વસંતસૂરીશ્વરજી મ.સા.એ સામાના નગરીમાં ભારતમાંથી પધારેલા બધાં સંઘોની સાક્ષીએ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નિત્યાનંદસૂરીજી મ.સા. ને પોતાના મુખારવિંદ સાથે ગચ્છાધિપતિની પદવી અર્પણ કરી. 2005 નુ ચાતુર્માસ ઈતિહાસના પાનાંઓમાં સુવર્ણ અક્ષરથી અંકિત થઈ ગયું. જૈન ઈતિહાસમાં સામાના નગરની આ સિદ્ધિનો મહિમા સદીઓ સુધી રહેશે.

                      ઈ.સ. 2018માં ગચ્છાધિપતિજીની પ્રેરણા અને નિશ્રામાં અનેકાંત વિજય ભોજનશાળા અને શ્રી આત્મ વલ્લભ જૈન ઉપાશ્રયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઈ. સ. 2018માં જ ગુરુદેવના આદેશથી શાંત સ્વભાવના સંપત શ્રીજી મ.સા. ની સુશિષ્યા  સરલમના સાધ્વી ચંદ્રયશાશ્રીજી અને પ્રવચનદક્ષા સાધ્વી શ્રી પુનીતયશાશ્રીજીનો ચાતુર્માસ સામાના શ્રી સંઘને મળ્યો હતો. તપ, જપ અને વિવિધ અનુષ્ઠાનથી ભરપૂર ઔતિહાસિક આ ચાતુર્માસમાં સાધ્વી શ્રીજીની પ્રેરણાથી ભગવાન શ્રી શાંતિનાથને સુવર્ણ મુગટ અને રથયાત્રા માટેનો નવો રથ બનાવવામાં આવ્યો હતો.

                    14 એપ્રિલ 2019 ના રોજ જ્ઞાન પ્રભાકર સ્વર્ણ સંત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયાનંદસૂરીશ્વરજી મ.સા., ગણિવર્ય શ્રી જયકીર્તિવિજયજી અને સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી મ સા., પ્રવચનદક્ષા સાઘ્વી પુનીતયશાશ્રીજી મ.સા. ની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનને સોનાનો મુગટ અને બંને જિનાલયમાં ચાંદીની પછવાડી, ચાંદીના છત્ર અને ચાંદીના તોરણ અર્પણ કરવામાં આવ્યો હતાં. 

                  ગચ્છાધિપતિ શાંતિદૂત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી શાંતિનાથ જિનાલય નું જિણોદ્ધાર કાર્ય કરવામાં આવ્યું. ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીજીની અનન્ય કૃપા અને કરુણા દ્રષ્ટિ સામાના શ્રી સંઘ પર હંમેશા વરસતી રહે.

                    ચેન્નાઈ ચાતુર્માસમાં સામાના શ્રી સંઘની વિનંતીને સ્વીકારતા લુધિયાણા 2022 ચાતુર્માસમાં વિરાજીત સરલમના સાઘ્વી ચંદ્રયશા શ્રીજી મ.સા. અને પ્રવચનદક્ષા સાધ્વી શ્રી પુનીતયશા શ્રીજી મ.સા. શતાબ્દી વર્ષના 100માં ધ્વજારોહણ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી હતી. 

                  1 ફેબ્રુઆરી 2023 મહા સુદ 11 બુધવારે સામાના શ્રી શાંતિનાથ જિનાલય તીર્થધામ બની ગયું છે.

સરનામું

શ્રી શાંતિનાથ જૈન મંદિર
જૈન મોહલ્લા, દશેરા ગ્રાઉન્ડની પાસે
સામાના
જિલ્લો પટિયાલા
પંજાબ 147101

ચેરમેન શ્રી પ્રદીપભાઈ જૈન - સામાના
+91 98140 02240

Comments

Popular posts from this blog

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी